વિકિપીડિયા અને વિકિસ્રોત ગુજરાતીના માનનીય સદસ્યશ્રીઓ. નમસ્કાર. આપ સૌ જાણો જ છો કે આપણે વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીનો કાર્યક્રમ તા:૩૧-૩-૨૦૧૩નાં રોજ રૂપાયતન, જૂનાગઢ ખાતે રાખ્યો છે. આ સાથે આ કાર્યક્રમનું આમંત્રણપત્ર, અને કાર્યક્રમની ગોઠવણ સંબંધે કેટલીક વિગતો મોકલાવું છું. (આપે હજુ સ્રોત પરના કાર્યક્રમના પાને નોંધણી ન કરી હોય, હાજરી આપવા ઇચ્છતા હોય, તો કૃપયા વહેલાસર નોંધણી કરાવશોજી. જેથી અમોને વ્યવસ્થા કરવાનું સુગમ પડે. આભાર.)
પ્રબંધકશ્રી ધવલભાઈ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે યુ.કે.થી ભારત પહોંચી ગયા છે. તેઓ શનિવારે જૂનાગઢ પહોંચશે. સાથે વિકિસ્રોતનાં પ્રબંધકશ્રી સુશાંતભાઈ પણ જૂનાગઢ પહોંચશે.
બહારગામથી પધારનારા, વિકિસ્રોત પર કન્ફર્મેશન આપનારા, સૌ વિકિમિત્રો પોતાના સ્થળેથી જૂનાગઢ કઈ રીતે અને ક્યારે પહોંચવાના છે તે વિગત અને પોતાનો મોબાઈલ નંબર કૃપયા મને (અશોક મોઢવાડીયાને) મેઈલ કરે. પધારેલા સર્વે મિત્રો માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પધારનારા સર્વે મિત્રોને વિનંતી કે મોડામા મોડા સવારે ૮-૦૦ સુધીમાં આ ઉતારાના સ્થળે પહોંચવા પ્રયાસ કરે. આપણે સૌ વિકિમિત્રોનું ત્યાં એકત્રીકરણ કરી અને સાથે જ કાર્યક્રમ સ્થળે જઈશું. દૂરના સ્થળેથી પધારનારા મિત્રો આગલે દિવસે પધારશે તો એમને રાત્રીરોકાણની વ્યવસ્થા પણ ત્યાં જ, ઉતારાસ્થળે, કરાયેલી છે.
કાર્યક્રમની વિગતો જોઈએ તો; સવારે ૯-૦૦ થી ૧-૦૦ સુધી રૂપાયતન ખાતે કાર્યક્રમ રહેશે. જેમાં સાથેના આમંત્રણપત્રમાં જણાવ્યા પ્રમાણેના વિવિધ કાર્યક્રમો રહેશે. (જો કે ક્રમમાં ફેરફાર શક્ય છે.) કાર્યક્રમની સમાપ્તિ પછી ત્યાં રૂપાયતન ખાતે જ આપણે સૌએ સહભોજન લેવાનું છે. પધારનારા સર્વે મિત્રોને વિનંતી કે, વિકિસ્રોત પરના પોતાના કાર્યાનુભવ કે અન્ય મિત્રો, મહેમાનો સાથે વહેંચવાલાયક વાતો વિશે બે-ત્રણ મિનિટની એક સ્પીચ તૈયાર કરી રાખે. આપણે સૌ મિત્રોએ ત્યાં એ સ્પીચ આપવાની થશે. (જો કે આ માત્ર સ્વૈચ્છીક જ રહેશે, ફરજીયાત નથી !)
વિકિપીડિયા અને સ્રોત વિષયે આશરે ૩૦-૩૦ મિનિટનાં બે પ્રવચન/સ્લાઈડ શૉ યોજાશે. જે અનુક્રમે ધવલભાઈ અને સુશાંતભાઈ રજૂ કરશે. જન્મદિવસની ઉજવણી આપણે કેક કાપીને (અને પછી ખાઈને !!) કરીશું.
આપણે વિકિમિત્રો ઉપરાંત થોડાએક આમંત્રીત મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જેમાં શહેરની શાળા-કોલેજનો (સમયની અનુકૂળતા હોય એવા) શિક્ષકગણ, ગ્રંથપાલો અને શહેરનાં કેટલાંક ગણમાન્ય નાગરિકો, રસ ધરાવતા વિદ્યાર્થીઓ ઉપરાંત બહારગામથી પધારનારા આમંત્રીત મહેમાનો હશે. હાલ આપણાં આયોજનમાં આપણે ૭૫-૮૦ જેટલાં લોકોની ઉપસ્થિતિનો અંદાજ રાખ્યો છે.
આપણાં સભ્યશ્રી નિલેશભાઈનાં પ્રયાસને કારણે આપણને રૂપાયતન સંસ્થા ખાતે આપણો કાર્યક્રમ યોજવાનું આમંત્રણ મળ્યું છે. ભોજનની વ્યવસ્થા વિકિમિડિયા (ઈન્ડિયા) અને સંસ્થાના સહયોગથી કરાયેલી છે.
મુખ્ય કાર્યક્રમ પછી થોડા વિશ્રામ બાદ આપણે સૌ જૂનાગઢનાં કેટલાંક જોવાલાયક સ્થળોની મુલાકાત અને ફોટોવોક કરીશું. શક્યતઃ કોઈ એક સંસ્થા કે સ્થળની શુભેચ્છા મુલાકાત પણ લઈશું. સાંજ સમયે ઝાંઝરડા યુવકમંડળ દ્વારા આપણને આમંત્રણ અપાયું હોય તેઓની મુલાકાત, ત્યાં એકત્ર યુવકોને વિકિસ્રોત/વિકિપીડિયા વિશે પ્રાથમિક સમજૂતી અને સભ્ય બનવા ઇચ્છતા યુવાઓને સભ્યપદ આપવાનો કાર્યક્રમ રાખેલો છે. આ પછી આપણી મહેમાનનવાજી કે શુભેચ્છારૂપે વાડીએ ’ભજીયાપાર્ટી’નું આયોજન યુવકમંડળ દ્વારા કરાયું છે એનો આનંદ લઈશું. આમ રાત્રે લગભગ ૯-૦૦ સુધી આપણો કાર્યક્રમ ગોઠવાયેલો છે. સંભવ હોય તો દૂરના સ્થળેથી પધારતા સર્વે મિત્રો રાત્રી રોકાણનું આયોજન કરી પધારે. રાત્રી રોકાણની સગવડ ઉપરોક્ત ઉતારાએ રાખેલી જ છે.
કાર્યક્રમ વિષયે જરૂરી માહિતીઓ આપને મેઇલ દ્વારા મળતી રહેશે. Welcome to Junagadh.
અશોક મોઢવાડીયા (પ્ર. ગુજ.વિકિપીડિયા)
wikipedia-gu@lists.wikimedia.org