મિત્રો,

વિકિપીડિયામાં ગયા ૧૦-૧૨ દિવસ દરમ્યાન થયેલા બે મહત્વના ફેરફારો તમ સૌના ધ્યાને લાવવા ચાહું છું. પહેલો અને મારા મતે વધુ અગત્યનો ફેરફાર છે, કડીઓની પાછળ લાગેલી પૂંછડીઓને આંતરિક કડી તરીકે દર્શાવવાનો જેને અંગ્રેજીમાં linktrail કહે છે. એટલે કે જો તમે નોંધ્યું હોય તો અત્યાર સુધી ચોરસ કૌંસમાં કશુંક લખ્યું હોય અને તેને અડોઅડ કૌંસની બહાર કશુંક લખ્યું હોય તો ફક્ત કૌંસની અંદરના લખાણને જ વાદળી રંગમાં (કે લાલ રંગમાં) દર્શાવવામાં આવતું અને તેની બહારના લખાણને નહિ. દા.ત. [[મહેસાણા]]માં એમ લખ્યું હોય તો મહેસાણા વાદળી રંગમાં પણ 'માં' કાળા રંગમાં જ દેખાતું. હવે આખું 'મહેસાણામાં' વાદળી રંગમાં દેખાશે. ઉદાહરણ તરીકે આ ઇમેલ સાથે બીડેલી બે ફાઇલો જોશો તો ખ્યાલ આવી જશે.

અને બીજો ફેરફાર એ છે કે, હવેથી વિકિમીડિયાની બધી જ સાઇટો એટલે કે બધી જ ભાષાના વિકિપીડિયા, વિકિસ્રોત, વિક્શનરી, વગેરેમાં સભ્યનામ (username) અને ગુપ્તસંજ્ઞા (password)નો ઉપયોગ કરીને દાખલ થયેલા સભ્યો (logged in users) ફક્ત સુરક્ષિત જોડાણ (secure connection) એટલે કે https://થી જોડાશે. આ આપણા સૌના હિતમાં છે. એના કારણે તમારું સભ્યનામ અને ગુપ્તસંજ્ઞા સુરક્ષિત રહેશે. શક્ય છે કે કદાચ આને કારણે તમને વિકિપીડિયા ધીમું ચાલતું હોય તેમ લાગે (જો કે એની શક્યતા નહિવત્ છે). જો કોઈ કારણે તમારે આ https://ને બદલે http:// જોડાણ જ વાપરવું હોય તો તમારી પસંદમાં () જઈને શરૂઆતના મૂળ માહિતી વિભાગમાં છેલ્લો પર્યાય "સભ્યનામથી પ્રવેશ કર્યો હોય ત્યારે સુરક્ષિત જોડાણ (https) જ વાપરો" છે તેની આગળના ખાનામાં ક્લિક કરીને તેની અંદરની ખરાની નિશાની દૂર કરવાની રહેશે. જો કે પ્રવેશ કરતી વખતે એટલે કે લોગ-ઈન કરતી વખતે ફરજીયાત પણે સુરક્ષિત જોડાણ જ વપરાશે.

આ અને આવી અન્ય સુવિધાઓ વિષે વધુ જાણવા માંગતા હોવ કે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોતમાં યોગદાન કરતી વખતે કોઈ સમસ્યા હોય કે તમારા કોઈ સુઝાવ હોય તો રવિવાર ૮ સપ્ટેમ્બરના રોજ યોજાનારી વેબગોષ્ઠિમાં જોડાશો.

સાભાર,

ધવલ સુધન્વા વ્યાસ
સભ્ય:Dsvyas
પ્રબંધક: વિકિપીડિયા અને વિકિસ્રોત